મગફળી (groundnut) એ તેલીબિયાં પાકોનો રાજા ગણાય છે. હાલમાં ૧૦૦ થી વધુ દેશોમાં મગફળીનું વાવેતર થાય છે. દુનિયામાં મગફળી ઉગાડતા દેશોમાંથી સૌથી વધારે ૬૫ થી ૭૦ લાખ હેકટર વાવેતર વિસ્તાર સાથે ભારતનું વિશ્વમાં પ્રથમ છે.
દેશોમાં હેકટરે ૧000 કિલોગ્રામ ની સરાસરી ઉત્પાદકતા સાથે કુલ ઉત્પાદન અંદાજે ૭૫ થી ૮૦ લાખ મેટ્રિક ટન થાય છે. ગુજરાત રાજયમાં મગફળીનું અંદાજીત ૧૫ થી ૧૭ લાખ હેકટર વિસ્તારમાં વાવેતર થાય છે જેમાંથી અંદાજીત ૨૦થી ૨૫ લાખ ટન ઉત્પાદન મળે છે.
ગુજરાતમાં ઉનાળુ મગફળી (summer groundnut) ૧.૫ થી ૨.૦ લાખ હેકટર વિસ્તારમાં થાય છે. ગુજરાતમાં અને તેમાં મુખ્યત્વે સૌરાષ્ટ્ર-કચ્છમાં મગફળીનું મોટાભાગનું વાવેતર ચોમાસાના વરસાદ આધારિત છે. ગુજરાતમાં ૨૦% ઊભડી, ૮૦% વેલડી અને અર્ધ વેલડી મગફળીનું વાવેતર થાય છે.
મગફળી ખોરાક માટે (તેલ, સીંગદાણા અને તેની બનાવટો), ઘાસચારા ખાણદાણ અને ખાતર માટે અગત્યનો પાક છે તથા વિદેશી હૂંડિયામણ રળી આપતો પાક છે. તદઉપરાંત કઠોળ વર્ગનો પાક હોવાથી જમીનમાં નાઈટ્રોજન ઉમેરે છે.
આબોહવા
મગફળીના પાકને મધ્યમ કાળી અને ગોરાડું જમીન વધુ માફક આવે છે. આ ઉપરાંત સારી ફળદ્રુપતા ધરાવતી રેતાળ, ગોરાડુ જમીનમાં પણ મગફળીનો પાક સારી રીતે લઈ શકાય છે. ગુજરાત રાજ્યમાં મુખ્યત્વે સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાત વિસ્તારમાં મગફળીનો પાક થાય છે. ઉત્તર ગુજરાતમાં ઊભડી અને અર્ધ વેલડી પ્રકારની મગફળીનું વાવેતર કરવામાં આવે છે.
જમીનની તૈયારી
મગફળીના ડોડવા જમીનમાં થતા હોવાથી તેના જરૂરી વિકાસ માટે જમીનની ફળદ્રુપતા, જમીનની ભેજ સંગ્રહશક્તિ અને જમીનની છિદ્રાળુતા જાળવવી ખાસ જરૂરી છે. તે માટે જમીનને ઊંડી ખેડ કરી આગલા પાકના જડીયાં, મૂળીયાં વગેરે વીણી લઈ સારૂ કોહવાયેલું છાણીયુ ખાતર હેકટર દીઠ ૮ થી ૧૦ ટન નાખી, બે થી ત્રણ વખત કરબની ખેડ કરી અને સમાર મારી જમીન પોચી અને ભરભરી બનાવવી.
વાવણી સમય અને વાવેતર પધ્ધતિ
ઉનાળુ મગફળી (summer groundnut) ૨૩° થી ૨૫૦ સે. ઉષ્ણતામાનમાં સારી રીતે ઉગી શકે છે જેથી જાન્યુઆરી માસમાં ઠંડી ઓછી થાય કે તરત જ મગફળીનું વાવેતર કરી દેવું જોઈએ. ઉનાળામાં વહેલી પાકતી ઊભડી જાતોનું વાવેતર માટે પસંદ કરવી જેથી કાપણી અને ખળાની કામગીરી ચોમાસુ વરસાદ થાય તે પહેલાં પૂર્ણ થઈ શકે.
ઉનાળુ મગફળીનું વાવેતર કરવા માટે ઊભડી અને વહેલી પાકતી જી.જી.-૨, જી.જી.-૫, જી.જી.-૬, ટીએજી-૨૪, ટી.જી.-૨૬, ટીપીજી-૪૧, ટીજી-૩૭એ, આઈસીજીએસ-૩૭ અને આઈસીજીએસ-૪૪ માંથી કોઈપણ એક જાતની પસંદગી કરવી. બિયારણ સારી જનીનિક ગુણવત્તા ધરાવતું, સારી સ્કૂરણશક્તિવાળુ અને અન્ય જાતોની ભેળસેળ વગરનું ખાત્રીલાયક હોવું જરૂરી છે. શક્ય હોય તો પ્રમાણિત બીજનો ઉપયોગ કરવો.
બીજ માવજત
જમીન અને બીજા અન્ય રોગો જેવા કે બીજનો સડો તથા ઉગસુકનો રોગ સામે રક્ષણ મેળવવા માટે બીજની માવજત ખૂબ જ અગત્યની છે. આ માટે ટેબૂકોનાઝોલ અથવા થાયરમ દવા ૩ ગ્રામ/કિલો બીજ પ્રમાણે પટ આપી વાવણી કરવી. આ ઉપરાંત રાસાયણિક ખાતર પાછળનો ખર્ચ ઓછો કરવા સારૂ રાઈઝોબિયમ અને ફોસ્ફટ કલ્ચરનો પટ આપી વાવેતર કરવું.
વાવણી અંતર અને બિયારણનો દર
હેકટર દીઠ જરૂરી છોડની સંખ્યા જાળવવા માટે જાતવાર નક્કી થયેલ અંતર અને બીજનો દર ખૂબ જ અગત્યનો છે. ઉભડી પ્રકારની મગફળીની જાતો માટે ૧૨૦ કિ.ગ્રા./હેકટર બિયારણ બે હાર વચ્ચે ૩૦ સે.મી. નું અંતર બે છોડ વચ્ચે ૧૦ સે.મી. નું અંતર રાખી વાવણી કરવી. મગફળીની વિવિધ જાતોના ઉત્પાદન અને ગુણધર્મો નીચે આપ્યા પ્રમાણે છે
જીજી-૨
સરેરાશ ઉત્પાદન: ૧૯૪૭ કિલો /હેકટર , પાકવાના દિવસ: ૧૨૦ તેલ: ૪૯.૬%
ગુણધર્મ: સૂકારા રોગ અને પીળીયા સામે પ્રતિકારકતા
જીજી-૪
સરેરાશ ઉત્પાદન: ૨૦૦૭ કિલો/હેકટર, પાકવાના દિવસ : ૧૧૯ , તેલ : ૫૦.૮%
ગુણધર્મ: તેલનું પ્રમાણ અને દાણાનો ઉતારો વધારે
જીજી-૬
સરેરાશ ઉત્પાદન: ૨૭૮૨ કિલો/હેકટર, પાકવાના દિવસ ૧૧૯, તેલ: ૫૦.૨%
ગુણધર્મ: તેલનું વધુ પ્રમાણ તથા વધુ ઉત્પાદન .
ટીજી-૨૬
સરેરાશ ઉત્પાદન: ૨૬૩૨ કિલો/હેકટર , પાકવાના દિવસ: ૧૨૧, તેલ: ૪૯.૦%
ગુણધર્મ: અંશતઃ સુષુપ્તા ધરાવે છે.
જીજેજી-૩૧
સરેરાશ ઉત્પાદન: ૩૨૫૪ કિલો/હેકટર, પાકવાના દિવસ: ૧૧૭, તેલ : ૪૯.૨%
ગુણધર્મ: વધુ ઉત્પાદન મોટા દાણા તથા અગ્રકલિકા રોગ સામે પ્રતિકારકતા
ટીપીજી-૪૧
સરેરાશ ઉત્પાદન: ૨૦૮૮ કિલો/હેકટર, પાકવાના દિવસ: ૧૨૨, તેલ: ૪૯.૦%
ગુણધર્મ: મોટા દાણા (>૬૦ ગ્રામ / ૧૦૮ દાણા), ઓલેઈક/લીનોલીકનો ઊંચો રેશિયો (૩.૨૭). આ જાતમાં લગભગ ૨૫ દિવસ સુધી તાજા દાણાની સુષુપ્તાવસ્થા અને ગેરૂ રોગ પ્રતિ સહનશીલ જાત છે.
ટીજી-૩૭એ
સરેરાશ ઉત્પાદન: ૨૮૩૫ કિલો/હેકટર, પાકવાના દિવસ: ૧૧૦-૧૧૫, તેલ: ૪૮.૦%
ગુણધર્મ: આ જાતમાં તાજા દાણાની સુષુપ્તાવસ્થા (૧૫ દિવસ) અને રોગો જેવા કે કંઠનો સૂકારો, ગેરૂ,પાનના મોટા આવતા ટીક્કા પ્રતિ સહનશીલ છે.
જીજી-૩૪
સરેરાશ ઉત્પાદન: ૩૭૧૫ કિલો/હેકટર, પાકવાના દિવસ: ૧૨૦-૧૨૫, તેલ: પર.૮%
ગુણધર્મ: આ જાતમાં થ્રિપ્સ અને તડતડીયાનો ઉપદ્રવ અંકુશ જાતો કરતાં ઓછો જોવા મળે છે. ઉનાળુ ઋતુમાં આ જાતમાં ટીક્કા અને ગેરૂના રોગ જોવા મળેલ નથી.
ખાતર વ્યવસ્થાપન
ખાતર આપવા માટે ખેડૂતે પોતાના ખેતરની જમીનનો નમૂનો જમીન ચકાસણી પ્રયોગશાળામાં ચકાસણી કરાવી ભલામણ મુજબ ખાતરો આપવા વધુ હિતાવહ છે. હેકટર દીઠ ૮ થી ૧૦ ટન સારુ છાણીયુ ખાતર અથવા ૧ ટન દિવેલીનો ખોળ આપ્યા પછી રાસાયણિક ખાતર પાયામાં એક જ વખત આપવું. જો જમીનમાં ગંધક તત્વની ઉણપ જણાય તો હેકટર દીઠ ૨૦ કિ.ગ્રા. ગંધક આપવો.
ઉનાળુ મગફળીમાં હેકટર દીઠ ૨૫ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૫૦ કિ.ગ્રા ફોસ્ફરસ ચાસમાં ઓરીને આપવો. મગફળી કઠોળ વર્ગનો પાક હોઈ હવામાંનો નાઈટ્રોજન તેની મૂળ ગંડિકામાં લઈ લે છે જેથી મગફળીના પાકને પૂર્તિ ખાતર આપવાની જરૂર રહેતી નથી.
મગફળીમાં પીળાશ દેખાય ત્યારે ૧૦૦ ગ્રામ ફેરસ સલ્ફટ (હીરાકસી) ની સાથે ૧૦ ગ્રામ સાયટ્રીક એસિડ (લીંબુના ફુલ) ૧૦ લિટર પાણીમાં ઓગાળી લગભગ ૫૦૦ લિટર પાણીનું દ્રાવણ બનાવી પ્રતિ હેકટર પ્રમાણે છંટકાવ કરવો. જરૂર જણાય તો બીજો છંટકાવ ૮ થી ૧૦ દિવસના અંતરે કરવો.
પિયત
ઉનાળુ મગફળીમાં જો ઓરવણ કરીને વાવેતર કરવું હોય તો પ્રથમ પિયત આપ્યા બાદ વરાપ થયે મગફળીની વાવણી કરવી. જો સૂકામાં વાવેતર કરવું હોય તો વાવણી કર્યા બાદ માપસરના ક્યારા બનાવી પિયત આપવું.
બીજુ પિયત ૨૦થી ૨૫ દિવસે મગફળીના છોડ ઉપર ફૂલ દેખાય ત્યારે આપવું. ત્રીજુ પિયત ૩૦ થી ૩૫ દિવસે જમીનમાં સોયા બેસતી વખતે આપવું. બાકીના પિયત ૭ થી ૮ દિવસના અંતરે જમીનમાં ભેજ જળવાઈ રહે તેમ આપવા. પિયત સંખ્યા અને બે પિયત વચ્ચેનો ગાળો એ જમીનનો પ્રકાર અને સ્થાનિક હવામાન ઉપર આધાર રાખે છે.
નીંદામણ અને આંતરખેડ
મગફળીના પાકને વાવણી પછી ૪૫ દિવસ સુધી નીંદામણ મુક્ત રાખવો ખૂબ જ જરૂરી છે. આ માટે ૨ થી ૩ આંતરખેડ કરવી અને હાથથી નીંદામણ કરી ૬૦ દિવસ સુધી નીંદામણ મુક્ત રાખવો અથવા ઓક્ઝીલ્યુરાફેન ૦.૨૪ કિલોગ્રામ હેકટર (ગોલ-૨-ઈ લિટર હેકટર) અથવા પેન્ડીમીથાલીન ૧ કિલોગ્રામ/હેકટર (સ્ટોમ્પ ૩ લિટર/હેકટર), ૫૦૦ લિટર પાણીમાં ઓગાળી વાવણી બાદ ૨૪ થી ૩૬ કલાકમાં જ છાંટવી + ૧ મહિના બાદ એક આંતરખેડ અને એક વખત નીંદામણ કરવું અથવા મગફળીની વાવણી પછી તરત જ પેન્ડીમીથાલીન ૩૮.૭ ટકા સીએસ ૧ કિ.ગ્રા./હે. સક્રિય તત્વના રૂપમાં છંટકાવ કરવો ત્યારબાદ ઊભા પાકમાં વાવણીથી ૧૫ થી ૨૦ દિવસે ઈમેઝીથાય પર ૧૦ ટકા એસએલ ૭૫ ગ્રામ/હે. સક્રિય તત્વના રૂપમાં છંટકાવ કરવો.
રોગ નિયંત્રણ
ઉગસુક અને થડનો કોહવારો
ઉગસુક રોગને કારણે બીજનું સ્કરણ થાય તે પહેલાં સડી જાય છે. આખો છોડ સૂકાઈ જાય છે. ઊભા પાકમાં પણ રોગપરક ફુગ જમીન સરસા થડમાં કહોવારો કરી છોડ સૂકવી નાખે છે. આ ફુગનો વિકાસ ૩૧ થી ૩૫° સે તાપમાને ખૂબ સારા થાય છે. થડના કોહવારો રોગની શરૂઆતમાં જમીનને અડીને થડ ઉપર સફેદ કે ભુખરામ રંગ ના ધાબા જોવા મળે છે. સમય જતાં આ ધાબા પર સફેદ રંગની ફુગની વૃદ્ધિ જોવા મળે છે. જેના લીધે થડ તથા ડોડના નબળા પડે થે અને છોડ સૂકાઈ જાય છે.
આના નિયંત્રણ માટે મગફળી ઉપાડી લીધા બાદ તાત્કાલિક સૂર્ય તાપમાં સૂકવવી અને ભેજરહિત જગ્યાએ સંગ્રહ કરવો જેથી ફૂગનો ચેપ લાગે નહીં. તંદુરસ્ત, નુકસાન વગના બીજનો વાવણી માટે ઉપયોગ કરવો. બીજને ટેબૂકોનાઝોલ અથવા થાયરમ ૩ ગ્રામ/કિ.ગ્રા બીજ પ્રમાણે પટ આપ્યા પછી વાવેતર કરવું. ટ્રાયકોડર્મા ફુગ ૨.૫ કિલો ૫૦૦ કિલો દિવેલી ખોળમાં મિશ્ર કરી પાક વાવતા પહેલાં ભેજ હોય ત્યારે આપવી.
ટીક્કા
પાન પર પીળી કિનારી વાળા અનિયમિત આકારના બદામી ટપકાં જોવા મળે છે જે પાછલી અવસ્થાએ પાન પર ગોળ, ભૂખરાં કે કથ્થાઈ રંગના ટપકાં જોવા મળે છે. રોગની માત્રા વધતાં આવા ટપડાં થડ કે સોયા પર જોવા મળે છે. છેવટે પાન સૂકાઈને ખરી પડે છે.
નિયંત્રણ માટે ૫ ગ્રામ કાર્બેન્ડેઝીમ દવા ૧૦ લિટર પાણીમાં ઓગાળી ૩૫, ૫૦ અને ૭૦ દિવસે છંટકાવ કરવો.
ગેરુ
પાનની નીચેની સપાટી ઉપર ટાંકણીના માથા જેવડા નાના ગેરૂ રંગના ટપકાં જોવા મળે છે. પાનની ઉપરની સપાટી પીળી પડવા લાગે છે. સમય જતાં આ ટપકાં એકબીજા સાથે ભળી જાય છે. છેવટે પાન સૂકાઈને ખરી પડે છે.
નિયંત્રણ માટેરોગ ઓછો આવે તે માટે ખેતરમાંથી મગફળી ઉપાડી લીધા પછી છોડના રોગિષ્ટ અવશેષો વીણીને બાળી નાખવા. ૦૮૦ ટકા ટ્રાયડીમો ૫ મિ.લિ. અથવા ૭૫ટકા મેન્કોઝેબ અથવા ૭૫ટકા કલોરોથેલોનીલ ૨૫ થી ૩૦ ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ઓગાળી ૩૫૪૦ દિવસે છંટકાવ કરવો. બીજો અને ત્રીજો છંટકાવ ૧૫ દિવસના અંતરે કરવો.
ટીક્કા અને ગેરૂ બન્નેનું નિયંત્રણ
ક્લોરોથેલોનીલ ૭૫ ટકા ૨૫ ગ્રામ ૧૦ લિટર પાણીમાં દ્રાવણ બનાવીને ૧૫ દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા. લીમડાના તાજા પાનનો સંતૃપ્ત અર્ક બનાવી તેમાંથી ૧ થી ૨ ટકાનું દ્રાવણ પાણીમાં બનાવી ૩૦, ૫૦ અને ૭૦ દિવસે છંટકાવ કરવાથી રોગ નિયંત્રણ થાય છે.
જીવાત નિયંત્રણ
મોલો, તડતડીયા અને થ્રિપ્સ
જીવાત પાનની નીચે રહી રસ ચૂસે છે જેથી છોડ ફીકો પડે છે અને ઉત્પાદન ઘટે છે.
નિયંત્રણ માટે સમયસરનું વાવેતર કરો અને ખેતરો ચોખ્ખા રાખો. કુદરતી પરોપજીવી અને પરભક્ષી કીટકોને સાચવો. એક કિલોગ્રામ બિયારણ દીઠ ૫ ગ્રામ ઈમીટાકલોપ્રીડ ૧૭.૮ એસ.એલ દવાનો પટ આપવો. ડાયમીથોકેટ ૧૦ મિ.લિ. અથવા મથાઈલ-ઓડેમેટોન ૧૦ મિ.લિ. અથવા ઈમીડાકલોપ્રીડ ૪ મિ.લિ. અથવા ફીપ્રોનીલ ૫ મિ.લિ. અથવા એસીટામીપ્રીડ ૨ ગ્રામ અથવા થાયોમેથોકઝામ ૪ ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
પાનકથીરી
જીવાત પાનની નીચે રહી રસ ચૂસે છે જેથી ફીકો પડે છે અને ઉત્પાદન ઘટે છે. નિયંત્રણ માટે મીઠાઈલ ઓ ડીમેટોન ૧૦ મિ.લિ. અથવા ફોસ્ફામીડોન ૩ મિ.લિ. અથવા ડાયકોફોલ ૧૬ મિ.લિ. અથવા ઈથીઓન ૧૦ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
પાનકોરીયુ
પાન કોરીને તેનો લીલો ભાગ ખાઈ જાય છે. ઉપદ્રવ વધુ હોય તો પાક સફેદ થઈ જાય છે જે સૂકાઈ જતાં દાઝી જવાથી બદામી રંગનો બની જાય છે.
નિયંત્રણ માટે ડાયકલોરોવોસ ૧૦ મિ.લિ. અથવા મોનોક્રોટોફોસ ૧૨ મિ.લિ. અથવા ફેન્ટોથીઓન ૧૦ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
ઊધઈ
ઊધઈ છોડના થડ, ડાળી અને ડોડવા વગેરે કોરીને નુકશાન કરે છે.
નિયંત્રણ માટે ઉનાળામાં ઊંડી ખેડ કરવી. જે ખેતરમાં ઊધઈનો ઉપદ્રવ રહેતો હોય તેવા ખેતરોમાં ક્લોરપાયરીફોસ ૧.૫ ટકા ભૂકી દવા હેકટરે ૩૦-૪૦ કિલો પ્રમાણે વાવેતર પહેલા જમીનમાં આપવી અને પિયત અને આંતરખેડની માત્રા વધુ રાખવી. ઊભા પાકમાં કિવનાલફોસ ૨૫ ઈસી અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી દવા હેકટરે ૪ લિટર પ્રમાણે પિયત સાથે આપવી.
કાપણી, થેસિંગ અને સંગ્રહ
મગફળીના છોડ ઉપરના ડોડવા ફોલતા છોતરાના અંદરના ભાગમાં કાળી નકશી તૈયાર થયેલ હોય અને દાણાનો રંગ લાલ થયેલ હોય ત્યારે જ મગફળી કાઢવાની શરૂઆત કરવી. સામાન્ય રીતે મગફળી આશરે ૧૨૦ દિવસે કાપણી માટે તૈયાર થઈ જાય છે. કાપણી સમયે જો જમીનમાં પૂરતો ભેજ હોય તો ઊભડી પ્રકારની મગફળી હાથથી ખેંચી લેવી અને અર્ધ વેલડી પ્રકારની મગફળી બલુનથી કાઢી નાના ઢગલા કરી સૂકવણી કરવી. ત્યાર બાદ શ્રેસરથી ડોડવા છૂટા પાડી છાંયડામાં સૂકવી ભેજનું પ્રમાણ ૮ ટકાથી ઓછું હોય તે મુજબ સંગ્રહ કરવો અથવા વેચાણ માટે લઈ જવી.
મૂલ્ય વર્ધન
મગફળીનું તેલ ઉત્તમ પ્રકારનું ખાદ્ય તેલ છે તથા લાંબો સમય સંગ્રહ કરી શકાય છે. તેના વિવિધ ઉપયોગો છે. મગફળીના દાણાનો ભૂકો કરી કેટલીક સ્વાદિષ્ટ વાનગીઓ જેવી કે મગફળીનું દૂધ, મગફળીનું માખણ, મગફળીની ચોકલેટ, કુકી, કેન્ડી, ચટણી, શીંગપાક, લાડુ, બરફી વગેરે બનાવી શકાય છે. સીંગની વાનગીઓ ફરાળી તરીકે લઈ શકાય છે.