ખેડૂતો માટે ઉપયોગી – પિયત મંડળી દ્વારા સહભાગી સિંચાઇ વ્યવસ્થા (water users association)

આપણાં દેશની મોટા ભાગની વસ્તી ગામડામાં રહે છે, જેમનો આજીવિકાનો મુખ્ય આધાર ખેતી છે. સારી ખેતી ઘણાં પરિબળો ઉપર આધાર રાખે છે, જે પૈકી સૌથી મહત્વનું પરિબળ છે પાણી. વાવેતરથી માંડીને કાપણી સુધીના પાકના વિકાસ અને ઉત્પાદનના પ્રત્યેક તબકકે પાકને યોગ્ય પ્રમાણમાં પાણીની જરૂરીયાત રહે છે.

પિયતની ચોકકસ અને પુરતી સગવડ હોય તો જુવારનું ઉત્પાદન બમણું, બાજરી, કપાસ, મગફળીનું ત્રણ ગણું જયારે ઘંઉનું ઉત્પાદન ચાર ગણું થાય. તેથી ખેડૂતો વરસાદની અનિયમિતતાની ઉત્પાદન પર માઠી અસર ન થાય તે માટે પોતાની રીતે પિયતની સગવડ ઉભી કરવા પ્રયત્ન કરે છે. આ માટે મોટું મુડીરોકાણ કરે છે.

ગુજરાતમાં કુલ પિયતના ૭૦ ટકાથી વધુ પિયતની સગવડ ખેડૂતો પોતાના કુવા-યુબવેલથી કરે છે. હાલમાં ગુજરાતની નાની અને મોટી સિંચાઇ યોજનાથી કુલ મળી ૧૭ લાખ હેકટરમાં સિંચાઇ થઇ શકે તેમ છે. આ ઉપરાંત નર્મદા યોજના દ્વારા વધારાના ૧૮ લાખ હેકટરમાં સિંચાઇ શકય બની છે.

સહભાગી સિંચાઇ વ્યવસ્થા (water users association) અભિગમ

હાલની સિંચાઇ વ્યવસ્થાની મુશ્કેલીઓના પરિણામો સૌથી વધારે ખેડૂતોને જ ભોગવવાના થાય છે. નહેરનો વહીવટ, પાણીનું વિતરણ, નહેરની મરામત અને જાળવણી વગેરેમાં ખેડૂતો જોડાય, રસ લે અને ભાગીદાર બને તો સિંચાઇની પરિસ્થિતિ સુધરે તેવો સર્વત્ર અનુભવ રહયો છે.

ગુજરાત સરકારે જૂના ૧૯૯૫માં સહભાગી સિંચાઇ વ્યવસ્થા અભિગમને દાખલ કર્યો. અને વર્ષ ૨૦૦૭માં સહભાગી સિંચાઇ વિધેયક પસાર કરવામાં આવ્યું. જે સિંચાઇના આયોજન, અમલ, નહેરોની મરામત અને પિયાવાના દર ભેગા કરવામાં સહભાગી બને છે.

પિયત મંડળીમાં ગામના ખેડૂતો અને સિંચાઇનું પાણી વાપરનાર સભ્ય બની જવાબદારી ઉઠાવે છે. એક આદર્શ પિયત મંડળી સિંચાઇને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરીને ખેડૂતોના વિકાસમાં ભાગીદાર બને છે. હાલમાં ગુજરાતમાં કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ પણ પિયત મંડળી બનાવવા અને તેમને તાલીમ આપવાનું કાર્ય કરે છે.

સહભાગી સિંચાઇ વ્યવસ્થાથી થતા ફાયદા

1.મંડળીના તમામ સભ્યોને વારા પ્રમાણે સમયસર પાણી મળે છે.
2.છેવાડાના ખેડૂતોને પણ સંતોષકારક પાણી મળે છે.
3.પાણી મળવાની ખાતરી હોવાથી ખેડૂતોની જરૂર પુરતું પાણી વાપરે, જેથી પાણીનો બગાડ અટકે છે.
4.પાણીના ઝમરથી બગડી ગયેલી જમીન ખેતીલાયક બને છે. વધારે વિસ્તારના સિંચાઇ દ્વારા પાણી પુરું પાડે છે, જેથી પાક ઉત્પાદન પણ વધે છે.
5.સમયસર પાણી મળવાથી ખેડૂતની સમય અને ખર્ચમાં બચાવ થાય છે.
6.નહેરની સામાન્ય મરામત પેટે મળતું વળતર મંડળી હસ્તક હોય છે, જેનાથી સિંચાઇ પહેલા નહેરની સમયસર સફાઇ અને મરામત થઇ શકે છે. પિયાવાના ફોર્મ મંડળી દ્વારા જ ઉઘરાવાય તેથી ખેડૂતોને સરળતા થાય અને પિયાવાની વસુલાત વધે છે.
7.ખેડુતો વચ્ચે પાણી બાબતે થતાં આંતરિક ઘર્ષણ ઘટે તેમજ સિંચાઇ ખાતા સાથે સંકલન વધે છે.


પિયત મંડળીનું માળખું

સામાન્ય સભા : નહેરના પિયત વિસ્તારમાં આવતા ખેડૂતોનું મંડળ.

બારા પ્રતિનિધી સભા : દરેક બારા હેઠળના ખેડૂતો દ્વારા પસંદ થયેલ પ્રતિનિધિમાંથી બને છે.

કારોબારી સમિતિ : બારા પ્રતિનિધિમાંથી અગ્ર-મધ્ય-છેવાડાના પસંદ કરેલ પ્રતિનિધિ બને છે.

પ્રમુખ : કારોબારી સમિતિ દ્વારા પસંદગી કરવામાં આવે છે.

સહભાગી સિંચાઇ વ્યવસ્થા ક્રમિક તબકકા

1. મંડળીની રચનાનો તબકકો

1.સૌ પ્રથમ સિંચાઇ યોજનાની સ્થાનિક કચેરીના સંલગ્ન કાર્યપાલક ઇજનેર અથવા આ કાર્યક્રમમાં પ્રવૃત એવી સ્વૈચ્છિક સંસ્થાનો સંપર્ક કરવો.

2.ગ્રામસભામાં કાર્યપાલ ઇજનેર અને સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિને સહભાગી સિંચાઇ વ્યવસ્થાનો વિગતે ખ્યાલ મેળવવા આમંત્રિત કરવા.
3.માઇનોર નેહર હેઠળના ખેડૂતો એકત્રિત થઇ સંગઠન રચવા તૈયાર થાય. કમાન્ડ હેઠળના ખેડૂતો સંગઠનના સભ્ય બને.
4.ખેડૂતો પોતાના બારા પ્રતિનિધિ નકકી કરે અને પ્રતિનિધિ સભાની રચના કરે.
5.અગ્ર, મધ્ય અને છેવાડાનું પ્રતિનિધિત્વ જળવાય તેમ કારોબારીની રચના કરે, ત્યારબાદ પ્રમુખની સર્વાનુમતે વરણી થાય.
6.પિયત મંડળીની માન્યતા માટેની દરખાસ્ત તૈયાર કરીને સંલગ્ન અધિક્ષક ઇજનેરને રજુ કરીને પિયત મંડળી તરીકેની માન્યતા મેળવવી.


2. નેહરના પુનરોદ્વારનો તબકકો

1.નહેર મરામતની જરૂરીયાત ચકાસવામાં આવે.
2.સિંચાઇ ખાતાના અધિકારી અને ખેડૂતો સાથે રહી નહેરનો સર્વે કરે.
3.નકશા અંદાજ તૈયાર થાય. નહેર મરામતની કામગીરી મંડળી મારફત જ થાય, તેમાં ખેડૂતોનો ૧૦% ફાળો હોય.
4.મંડળી અને સિંચાઇ વિભાગ વચ્ચે બાંધકામ કરાર થાય.
5.નહેર પુનરોદ્ધાર માટે મંડળીને સિંચાઇ ખાતા તરફથી ત્રણ હપ્તામાં એડવાન્સમાં નાણાંની ચુકવણી થાય.
6.વિવિધ સમિતિઓ જેવી કે દેખરેખ સમિતિ, હિસાબ સમિતિ, ન્યાય સમિતિની રચના કરવી તેમજ આ સમિતિઓને તાલીમ આપવી.
7.પિયત મંડળી મારફત સતત દેખરેખ તથા માલસામાનની વ્યવસ્થા, હિસાબોની જાળવણી કરવી.
8.થયેલ કામના ફાઇનલ માપ લેવા અને નહેર પુનરોદ્વાર કામ સંતોષકારક રીતે પૂર્ણ કરવું.


3. પાણી વિતરણ અને સંચાલનનો તબકકો.

(અ) સિંચાઇ પૂર્વે

1.મંડળીનું અંદાજપત્ર (બજેટ) બનાવવું અને તેના આધારે મંડળી આર્થિક રીતે સદ્ધર બને તેવા સિંચાઇના દર નકકી કરવા. કારોબારી સમિતિએ અંદાજપત્રને સાધારણ સભામાં રજુ કરીને મંજૂર કરાવવું.
2.સારી સિંચાઇ વ્યવસ્થા ઉભી કરવા જરૂરી નીતિ નિયમો ઘડવા. કારોબારી સમિતિએ નીતિ નિયમો. સાધારણ સભામાં રજુ કરી મંજૂર કરાવવા.
3.પાણી વિતરણ દરમ્યાન દેખરેખ માટે સ્થાનિક ઓપરેટરની પસંદગી કરવી અને તેની જવાબદારીઓ નકકી કરવી
4.બંધમાં ઉપલબ્ધ પાણીના જથ્થાને ધ્યાને લઇ મંડળીને મળનાર પાણની સંખ્યાને આધારે પાક આયોજન અને તેનો વિસ્તાર સાથેની માંગણી અરજી સિંચાઇ વિભાગમાં રજુ કરવી.
5.મંડળી હસ્તકની નહેરો તેમજ ખેતરના ઢાળિયાની સમયસર સફાઇ કરવી.
6.પાણી વિતરણ તેમજ ન્યાય સમિતિની રચના કરવી અને તેની જવાબદારીઓ નકકી કરવી.
7.ખેડૂતો પાસેથી સિંચાઇની મંગણા અરજી સ્વીકારવી તેમજ પિયાવાની એડવાન્સમાં વસુલાત કરવી.
8.સિંચાઇ માટે અગાઉથી વારાબંધી નકકી કરવી તેમજ દરેક ખેડૂતને તેના વારા અંગેનો ગેટ પાસ આપવો.


(બ) સિંચાઇ દરમ્યાન


1.મંડળીએ સિંચાઇ વિભાગને થયેલ સિંચાઇનો દૈનિક રિપોર્ટ આપવો.
2.સિંચાઇ દરમ્યાન ઓપરેટર તેમજ ગોઠવેલ વારાબંધી પર પાણી વિતરણ સમિતિએ સતત દેખરેખ રાખવી.
3.સિંચાઇ દરમ્યાન ઉભા થયેલ પ્રશ્નો, ઝગડા અથવા મુશ્કેલીઓનું સમયસર નિરાકરણ કરવું.
4.સિંચાઇ દરમ્યાન કારોબારી સમિતિએ અવારનવાર મળવું અને સિંચાઇની સમીક્ષા કરવી.
5.સારી સિંચાઇ વ્યવસ્થા ઉભી કરવા મંડળીએ નકકી કરેલ નિયમોનું ચુસ્તપણે પાલન કરવું.
6.સિંચાઇ વિભાગ અને સિંચાઇ સંઘ તરફથી મળતા સૂચનોનો અમલ કરવો.
7.સિંચાઇ દરમ્યાન જરૂરી દફતરો નિયમિત નિભાવવા.
8.સિંચાઇ દરમ્યાન નહેરમાં તૂટકુટ થાય તો તાત્કાલિક મરામત કરવી.


(ક) સિંચાઇ બાદ

1.સિંચાઇ વિભાગ સાથે રહીને થયેલ સિંચાઇનું નમુનારૂપ સર્વે કરવું.
2.સિંચાઇ વિભાગ પાસેથી થયેલ સિંચાઇનું બિલ મેળવવું. સિંચાઇ વિભાગની સમય મર્યાદામાં પિયવાનું બિલ ભરવું. સિંચાઇ દરમ્યાન થયેલ અનુભવો, શીખવા મળેલ બાબતો અને મળેલ બોધપાઠની. મંડળી કક્ષાએ સમીક્ષા કરવી.
3.યોજના કક્ષાની સિંચાઇ સમીક્ષા બેઠકમાં ભાગ લેવો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

groundnuts farming Watermelon farming technic pea farming મગફળી(Groundnut) ભીંડા (Ladies Finger) તલ (Sesame) mini tractor