વૃક્ષોની સધન ખેતી તથા પરંપરાગત ખેતીની સાથે વૃક્ષની ખેતી તે બન્ને બાબતો આપણા દેશના ખેડૂત માટે ખૂબ જુની છતાં એક રીતે નવી બાબત છે. ફળોની વધતી જતી માંગ અને કુદરતી વનોના સ્ત્રોતોથી ઘટતો પુરવઠો જોતા ફળાઉ ઉપજોના ભાવ ખેડૂતોને ખૂબ સારા મળી રહ્યા છે.
ફળની ખેતી, જમીનનો પૂરો ઉપયોગ કરી વધારેમાં વધારે વળતર મેળવવાના મુખ્ય સાધનરૂપતો છે જ સાથે વર્ષોવર્ષ નવાબિયારણ, મજુરોની પળોજણ ઘટે છે. આથી આમળા (indian gooseberry)જેવા પાકની ખેતી ગુજરાતમાં ખૂબ જ પ્રચલિત થઈ છે. ઉંચી આવકનું વળતર જ આ પાક માટે મોટું પ્રોત્સાહન છે.
વાવેતર
બીયારણથી કરવામાં આવે છે. ગ્રાફટીંગ (આંખ કલમ)થી વધુ ઉતારો આપતી જાતો ઉછેરી શકાય છે.
બીજ પ્રાપ્તિ સ્થાન
વન બીજના વેપારીઓ, ઉદ્યોગવાળો વિસ્તાર જયારે ગ્રાફટ માટે સારી જાતોના પાક લેનાર ખેડૂતો, ખેતીવાડી ખાતું, નર્સરીઓ તથા ઈઝરાઈલ એગ્રોકોર્પોરેશન, રીલીફ શોપીંગ સેન્ટર, જી.પી.ઓ. પાસે, અમદાવાદ-૧ જેવા ટ્રેડર્સ સમયે સમયે આપવાની કલમો માટે ઓર્ડર નોંધતા હોય છે.
જમીનનો પ્રકાર
રેતાળ-ગોરાડું, સારા નિતારવાળી જમીન વધારે માફક આવે છે. આમ છતાં ક્ષારયુકત જમીન સિવાય આમળા ગમે તેવી ખરાબ-પડતર જમીનમાં ઉગાડી શકાય છે. સુકા અને અર્ધસુકા વિસ્તારમાં આમળાનો પાક વધારે સારી રીતે લઈ શકાય છે. જે જમીનનો પી.એચ. આંક ૮.૫ કરતા વધારે હોય ત્યાં, તેમજ જમીન ચુનાના પથ્થરવાળી હોય તો ત્યાં આમળાના વૃક્ષોનો વિકાસ સારો થતો નથી.
કલમ/વાવણીનો સમય
સામાન્ય રીતે વર્ષમાં બે વાર, મે થી ઓકટોબર સુધી કલમો કરી શકાય છે. રોપણી વાવણી લાયક વરસાદ થતાં કરાય છે.
જમીનની તૈયારી
૪૫ x ૪૫ x ૪૫ સે.મી. માપના ખાડા ઉનાળામાં કરી સારી ગુણવત્તાના છાણીયા ખાતરને માટી સાથે ભેળવી, ખાડા વરસાદ પહેલા ભરી તૈયાર રાખવા.
વાવવાની રીત
વાવણી ૮ X ૮ કે ૧૦ x ૧૦ મીટરે થઈ શકે. ૪૫ સે.મી. માપના ખાડામાં ઉનાળામાં કોહવાયેલું છાણીયું ખાતર અને પાણી ભેળવી ખાડા વરસાદ પહેલા ભરી તેમાં પહેલા વરસાદે આમળાના છોડ રોપી દેવા.
આંતર પાક
આમળા (indian gooseberry) સાથે શરૂઆતના વર્ષોમાં આંતરપાક તરીકે શાકભાજી, મગફળી, કઠોળ વિગેરે લઈ શકાય છે.
વર્ધન કલમ
આમળાનું (indian gooseberry) વર્ધન બીજ તેમજ આંખકલમથી થઈ શકે છે. બીજથી ઉછેરેલા છોડમાં ૮ થી ૧૦વર્ષે ફળો બેસે છે અને કદના નાના હોય છે. મોટી સાઈઝના ફળ મેળવવા માટે આંખકલમના છોડ ઉછેરવા જોઈએ. આંખકલમ નર્સરીમાં કરી શકાય, તેમજ દેશી રોપને ખેતરમાં, જુન માસમાં રોપી તેના ઉપર ઓગષ્ટ-સપ્ટે.માં કલમ કરી શકાય છે, જેનો વિકાસ નર્સરીમાં તૈયાર કરેલ કલમ કરતા સારો જોવા મળેલ છે. સામાન્ય રીતે મે થી ઓકટોબર સુધી કલમો કરી શકાય છે.
અન્ય માવજત
શરૂઆતમાં છોડને એક થડે વધવા દેવા, બાકીના ફૂટવા કાપી દૂર કરવા. ત્યાર બાદ સામાન્ય રીતે આમળાને કેળવણી કે છાંટણી જરૂરી નથી. છતાં વધારાની ડાળીઓની જરૂર પ્રમાણે છાંટણી કરી, પાકને નિંદામણથી પણ મુકત રાખવો.
સાવચેતી
આમળાના વૃક્ષની છાંટણી વધારે અને વારંવાર કરવામાં આવે તો ફુલ બેસતા નથી, માટે આવશ્યકતા થી વધારે છાંટણી કરવી નહીં.
વૃક્ષને વધારે પડતા ફળ લાગે તો ફળ ખરવાનું પ્રમાણ વધારે રહે છે. આવું બને ત્યારે ખાતરની પૂરી માવજત આપવી તથા ફળ વટાણાના કદના હોય ત્યારે ૧૦૦ લીટર પાણીમાં ર ગ્રામ એન.એ.એ.યુકત દ્રાવણ કે ર કિલો યુરીયાનું મિશ્રણ ૨૧-૨૧ દિવસે બે વાર છાંટવું.
આમળાના વૃક્ષને છાંયો જરા પણ માફક આવતો નથી.
વધારે વરસાદવાળા-વધુ પડતા ભેજવાળા વિસ્તારમાં આમળા સારા થતાં નથી.
ફળનો ઉગાવો
માર્ચ-એપ્રિલમાં આમળાના (indian gooseberry) પાન ખરી પડે છે અને મોટી સંખ્યામાં ફુલો આવે છે. જેમાં નર ફુલો વધુ અને માદા ફુલો ઓછા હોય છે. ફલીકરણ બાદ ફળ ૩-૪ માસ સુષુપ્ત રહી, ઓગષ્ટ – સપ્ટે. માં વિકાસ પામે છે. આ સમયે જીવાતથી પાન ખરે તો જીવાતના નાશના ઉપાય કરવા જોઈએ. ફળ ડિસે.-જાન્યુ.માં લીલા માંથી પીળા, પરિપકવ થાય છે. કલમથી ઉછરેલ વૃક્ષ, ૫ મા કે ૬ ઠ્ઠા વર્ષે પુરા જથ્થામાં ફળ આપે છે
પિયત
આમળાના ઉછરતા છોડને ઉનાળામાં ૩૦ દિવસે અને શિયાળામાં ૫૦ દિવસે પાણી આપવું. ખામણામાં સેન્દ્રિય તત્ત્વ વધારે હોય તો પાણીની જરૂરિયાત ઓછી રહે છે. પુષ્ઠ વયના ફળ આપતા ઝાડને ઉનાળા દરમ્યાન પાણી સતત ન આપતા, ૧૫ મે પછી એકાદ-બે પાણી આપવા અને ચોમાસા દરમ્યાન વરસાદ લંબાય ત્યારે અને ચોમાસા બાદ પાણી આપવું જોઈએ.
ખાતર
આમળાના છોડને પહેલે વર્ષે ૫ કિલો છાણીયું ખાતર અને જમીનની જરૂરિયાત મુજબ (જમીન ચકાસણી બાદ) નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ તત્ત્વો આપવા જોઈએ. ૧૦ વર્ષ સુધી આ જથ્થો વધારતા જઈ દશમાં વર્ષે ૧૦૦ કિલો છાણીયું ખાતર અને જરૂરિયાત મુજબ નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ તત્ત્વો આપવા જોઈએ. પુખ ઝાડને નાઈટ્રોજન બે હપ્તામાં, એટલે કે પહેલો હપ્તો બધા જ ખાતરો સાથે મે માં અને બીજો જુનમાં આપવો. સેન્દ્રિય ખાતરના વપરાશથી ઉત્પન્ન કરેલ આમળાના બજારભાવ સારા મળે છે.
જાતવાર ઉપજ
દેશમાં આમળાની લગભગ ૨૦ જુદી જુદી જાતોની ખેતી થાય છે. જે પૈકી આણંદ ખેતીવાડી સંસ્થા ખાતે ચકાસણીઓ બાદ, ગુજરાત આણંદ-૧, ર જાતો ગુણવત્તા તેમજ ઉંચા ઉત્પાદનને કારણે ગુજરાત માટે વધુ યોગ્ય જણાયેલ છે. ઉત્તર પ્રદેશની બીજી જાતો બનારસી, કૃષ્ણ, કંચન, ચકૈયા અને એ-૬,૭ તથા ગુજરાતની: આણંદ-૩ સીલેકશન ૧ થી ૩, વિગેરે જાતો ચકાસણી તળે હોવા જાણવા મળે છે.
અન્ય ફાયદા
દવા, વીજળી, મજુરીની પળોજણ ઘટે છે. શરૂઆતમાં આંતર પાક લઈ શકાય છે. આર્થિક ફાયદો વધુ છે.
વેચાણ
નડિયાદ, ગોધરા, અમદાવાદ વિગેરે તમામ શહેરી વિસ્તારો, આ પાક માટેના મોટા તૈયાર બજારો છે. વધુમાં હજુ મર્યાદિત ઉત્પાદન અને વૈદ્યોનું માનીતું ઔષધ હોઈ તથા ખૂબ જ ઉંચા પોષણ તથા ઔષધીય મૂલ્યને કારણે, ગામડા ગામના સ્થાનિક વેપારી ટ્રેડર્સ પણ ખરીદી લે છે.
ઘટકો,ઔષધિય મહત્ત્વ
જીવનફળ ગણાય છે. વિટામીન સી પ્રચુર માત્રામાં વધારે છે. (૬૦૦ થી ૮૦૦ મી.ગ્રા. પ્રતિ ૧૦૦ ગ્રામ) ઉપરાંત કેલ્સીયમ, લોહ, ફોસ્ફરસ, કેરોટીન, થાયમીન ધરાવે છે. શકિતવર્ધક છે, તેમાંનુ લોહતત્ત્વ લોહી શુદ્ધ કરે છે, કબજીયાત દુર કરે છે. દાંત અને ચામડીના તથા પેટના રોગોમાં ઉપયોગી છે. મધુ પ્રમેહને નિયંત્રણમાં રાખે છે. પિત્ત, વાયુ, કફ તથા ગરમીનાશક છે. આમ ઘણું જ ઉપયોગી, ઔષધીય રીતે બહુમૂલ્ય ફળ અને આર્થિક રીતે અત્યંત ફાયદાકારક પાક છે. ફળને શતાયુફળ ગણવામાં આવે છે. આમળાથી ચ્યવનપ્રયાસ (જીવન), આમળાચૂર્ણ, ત્રિફળાચૂર્ણ, મુરબ્બો, ચટણી, અથાણું, આમળા કેન્ડી, આમળા રસ જેવી અનેક બનાવટો બનાવાય છે.
ઉત્પાદન
કલમી આમળાની વૃક્ષ ઉપર ચોથા વર્ષે ફળ બેસવાનું શરૂ થાય છે. શરૂઆતમાં વર્ષમાં વૃક્ષ દીઠ અંદાજે ૧૦ કિલો અને આઠમા વર્ષ બાદ વૃક્ષ દીઠ અંદાજીત ૫૦ કિલો ઉપરજ ગણતા હેકટર દીઠ ૧૫૫ વૃક્ષોમાંથી (૮.૦ x ૮.૦ અંતર) ૭.૭૫ ટન જેટલુ ઉત્પાદન મળે છે.