દેશમાં ચોમાસુ ડુંગળીનું (Kharif onion) વાવેતર અંદાજે એક લાખ હેકટરમાં થાય છે. જયાં ઓછો વરસાદ પડતો હોય તેવા મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, હરીયાણા, બિહાર, તમિલનાડુ તેમજ ગુજરાત રાજયના જીલ્લાઓમાં ચોમાસુ ડુંગળીનું વાવેતર થાય છે.
જેમાં દર વર્ષે વધારો થઇ રહયો છે, કારણ કે શિયાળામાં ઉત્પન્ન થયેલ ડુંગળીનો સંગ્રહાયેલ જથ્થો નવેમ્બરના અંતમાં ખલાસ થઇ જાય છે. ત્યારે ડુંગળીનો પુરવઠો ઘટતા કિંમતમાં વધારો થાય છે. જોકે ચોમાસામાં વરસાદની અનિયમિતતા, વાદળછાયું વાતાવરણ, સતત ઝરમર વરસાદથી ચોમાસું ડુંગળીના પાકમાં આવતા પાંદડાના અને જમીનજન્ય રોગો, નીંદામણનું પ્રમાણ વધારે છે.
અનુકૂળ હવામાન
જે વિસ્તારમાં ચોમાસા દરમ્યાન ૩૦૦ થી ૪૦૦ મીમી. કરતા ઓછો વરસાદ પડતો હોય અને કાપણી સમયે પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળી રહેતો હોય ત્યાં ચોમાસું ડુંગળીનું સફળતાપૂર્વક ઉત્પાદન લઇ શકાય. છે.
જૂનથી નવેમ્બર દરમ્યાન રાત્રીનું ઉષ્ણતામાન ૧૪ થી ૨૦ અંશ સેન્ટીગ્રેડની વચ્ચે અને દિવસનું ઉષ્ણતામાન ૨૮ થી ૩ર અંશ સેન્ટીગ્રેડની વચ્ચે. તેમજ દિવસની લંબાઇ ૧૧ થી ૧૧.૫ કલાક રહેતી હોય તેવા વાતાવરણમાં ચોમાસું ડુંગળીનો વિકાસ સારો થાય છે. જે જમીનની નિતારશકિત સારી હોય તેવી મધ્યમ રેતાળથી ગોરાડુ, ફળદ્રુપ જમીન ચોમાસુ ડુંગળી માટે માફક આવે છે.
જાતની પસંદગી
ચોમાસુ ડુંગળીના વાવેતર માટે યોગ્ય જાતની પસંદગી કરવી ખૂબ જ અગત્યનું પરિબળ છે. જે જાતમાં વહેલા કંદ બંધાવાનું શરૂ થતું હોય, પ્રકાશ સંશ્લેષણ વધુ થતુ હોય, ગ(નેક) પાતળું હોય અને રોગો સામે પ્રતિકારકશકિત ધરાવતી હોય તેમજ પાણી ભરાઇ રહે તેવી પરિસ્થિતિમાં પણ અનુકૂળતા ધરાવતી હોય તેવી જાત પસંદ કરવી. જો કે આ બધા જ ગુણધર્મો એક જ જાતમાં શોધવા મુશ્કેલ છે.
પરંતુ જે જાત ૯૦ થી ૧૦૫ દિવસમાં. પાકતી હોય અને ગળુ પાતળું હોય તે ચોમાસા માટે પસંદ કરી શકાય. અખતરાઓના પરિણામો ઉપરથી સાબિત થયેલ છે, એન-પ૩, બસવંત-૭૮૦, ભીમા. સુપર, ભીમારાજ, ભીમા રેડ, એગ્રીફાઉન્ડ ડાર્ક રેડ અને અરકાકલ્યાણ વગેરે જાતોએ ચોમાસામાં સારૂ ઉત્પાદન આપેલ છે.
આ જાતો વહેલી પરિપકવા થતી, ઘાટા લાલથી પિતાંબર લાલ રંગની હોય છે અને વેચાણલાયક ઉત્પોદન વધારે મળે છે. ભીમા સુપર, ભીમા રેડ અને ભીમા રાજ નામની જાતો મધ્યમ સંગ્રહશકિત ધરાવે છે. તેમજ તેમાં મોગરા નીકળવાનું પ્રમાણ (સ્પાઉટીંગ) ઓછુ જોવા મળે છે. આ ઉપરાંત બેજોશિતલ, સેમનીશ, સનસીડ, મહિકો વગેરે કંપનીઓએ ચોમાસા માટેની જાતો/હાઇબ્રીડસ વિકસાવેલ છે તેનું વાવેતર કરવું જોઇએ.
બીજની ખરીદી
ચોમાસુ ડુંગળીનું જે ખેડૂતોએ વાવેતર કરવું હોય તેઓએ અગાઉથી જ આયોજન કરવું જોઇએ. જેથી સમયસર બીજની ખરીદી કરી શકાય. ચોમાસુ ડુંગળીનું ઉત્પાદન નવેમ્બર-ડીસેમ્બરમાં બજારમાં લાવવું હોય તો બીજનું વાવેતર ૧૫ એપ્રિલ આસપાસ કરવું, જેથી જુનના પ્રથમ અઠવાડિયામાં તેની ફેરરોપણી કરી શકાય. જે ખેડૂતો ચોમાસુ ડુંગળીનું બીજ પોતાની જાતે તૈયાર કરવા માંગતા હોય તેવા ખેડૂતોએ ખરીફ ડુંગળીના કંદનું વાવેતર ૩૦ ઓકટોબર પહેલા કરી દેવું જોઇએ, જેથી માર્ચ મહિનામાં કાપણી કરી એપ્રિલમાં વાવેતર કરી શકાય. જે ખેડૂતોએ એક સીઝન જુનું સીડ વાપરવું હોય તેઓએ ઉત્પાદિત થયેલ બીજને બરાબર સુકવી ૪૦૦ ગેઇઝની પોલીથીલીન બેગમાં પેક કરી ઠંડી જગ્યાએ સંગ્રહ કરવો જોઇએ. પરંતુ ૧૫ મહિના કરતા વધુ જુનું ન હોવું જોઈએ કારણ કે ત્યારબાદ તે બીજની સ્ફૂરણશકિતમાં એકદમ ઘટાડો આવતો હોય છે.
તંદુરસ્ત ધરૂવાડીયું
ચોમાસુ (ખરીફ) ડુંગળી માટે સામાન્ય રીતે ધરૂવાડીયાનું વાવેતર એપ્રિલ-મે માસમાં કરવું જોઈએ. આ માટે ભલામણ કરવામાં આવેલ બીજને કેપ્ટાન અથવા થાયરમ અથવા બાવીસ્ટીન ૩ ગ્રામ દવા ૧ કિલો બીજદીઠ બીજ માવજત આપીને બ્રોડબેઇઝ ફરો પદ્ધતિમાં બે હાર વચ્ચે ૧૦ થી ૧૫ સેમીનું અંતર રાખી વાવેતર કરવું જોઇએ. ડ્રીપ અને પ્રીંકલર પદ્ધતિથી પિયત આપવાથી ૪૦ થી ૫૦ ટકા પાણીની બચત થવાની સાથે ૯૦ થી ૧૦૦ ટકા તંદુરસ્ત ઉગાવો મળે છે. તેમજ પ૦ ટકા એગ્રીગેડનેટ અથવા હેસીયન કલોથનો ધરૂવાડીયા ઉપર છાંયો કરવાથી ઉનાળાના સખત તાપથી ધરૂનું રક્ષણ થાય છે. ધરૂ ૩૦ થી ૩૫ દિવસનું થાય એટલે શેડનેટ દુર કરવી જોઇએ જેથી ધરૂની ખોટી વૃધ્ધિ ન થાય અને થડ પાતળા ન રહે.
ફેરરોપણી
ચોમાસુ ડુંગળીની ફેરરોપણીનો સમય જુદા જુદા રાજયોમાં જુદો જુદો જોવા મળે છે. જેમાં જુનના પ્રથમ અઠવાડીયાથી ઓગસ્ટના બીજા અઠવાડીયા સુધીનો જોવા મળે છે. જુનના મધ્યથી જુલાઇની શરૂઆત. ફેરરોપણી કરવાથી વધુમાં વધુ ઉત્પાદન મળેલ છે.
વાવેતરની પદ્ધતિ
મોટાભાગના ખેડૂતો ચોમાસુ ડુંગળીનું વાવેતર સપાટ અથવા ગાદી કયારામાં કરતા હોય છે. પરંતુ આ રીતે વાવેતર કરવાથી પોષણ વ્યવસ્થા જળવાતી નથી. તેમજ વધારાના પાણીનો નીકાલ થતો નથી. બ્રોડા બેઇઝ ફરો પદ્ધતિમાં ૧.૨ મીટર ઉપરથી પહોળાઇ અને ૩૦ થી ૬૦ મીટર લંબાઇના કયારા રીઝરથી કરી શકાય છે. આવા બે કયારા વચ્ચે નીક કરવાથી વધારાના પાણીનો સારી રીતે નિકાલ થાય છે.
પોષણ વ્યવસ્થા
ચોમાસુ ડુંગળીમાં પોષણ ખૂબ જ અગત્યની બાબત છે, કારણ કે ધોધમાર કે મુશળધાર વરસાદને કારણે પોષકતત્વોનું ધોવાણ થઇ જાય છે અથવા જમીનમાં નીચે ઉતરી જતા હોય છે. ખરેખર ચોમાસુ ડુંગળીનું વાવેતર જ્યાં ૪૦૦ મીમીથી ઓછો વરસાદ થતો હોય ત્યાં કરવામાં આવે છે. પરંતુ છુટાછવાયા અને અનિયમિત વરસાદને કારણે ચોમાસુ ડુંગળીમાં ભલામણ કરેલ ખાતરમાં ૧૦૦ કિગ્રા નાઇટ્રોજન, ૫૦ કિગ્રા ફોસ્ફરસ અને પ૦ કિગ્રા પોટાશ છે. આ ઉપરાંત પ૦ કિગ્રા ગંધક આપવો જોઇએ. જેમાંથી ૫૦ ટકા નાઇટ્રોજન અને બધો જ ફોસ્ફરસ, પોટાશ અને ગંધક પાયામાં આપવો જોઇએ. જયારે બાકીનો પ૦ ટકા નાઇટ્રોજન પાકની વૃદ્ધિ દરમ્યાન આપવો. જો ફર્ટીગેશનની સુવિધા હોય તો સરખા ૧૦ હપ્તામાં દર પાંચમાં દિવસે ખાતર આપવું જોઇએ. ફેરરોપણી બાદ ૪૫ થી ૭પ દિવસે પાણીમાં ઓગળી શકે તેવા ખાતર તેમજ સુક્ષ્મ તત્વોના મિશ્રણનો છંટકાવ કરવો. જે કંદના વિકાસમાં અગત્યનો ભાગ ભજવે છે.
નિંદામણ નિયંત્રણ
નિંદામણને કારણે ચોમાસુ ડુંગળીમાં અંદાજે ૩૦ થી ૪૦ ટકા નુકશાન થતુ હોય છે. નિંદામણના નાશ માટે પેન્ડીમીથેલીન ર૦ મીલી પ્રતિ ૧૦ લીટર પાણીમાં ભેળવી બીજના વાવેતર બાદ તુરત જ છંટકાવ કરવો જોઇએ, જેથી ૩૦ દિવસ સુધી નિંદામણ થતું નથી. જયારે ફેરરોપણીથી વાવેતર કરેલ ડુંગળીમાં ફેરરોપણી પહેલા કે તુરંત બાદ પેન્ડીમીથેલીન ૩૫ મીલી પ્રતિ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરીને તુરત જ પિયત આપવું. જેથી ૩૦ થી ૩૫ દિવસ સુધી નિંદામણ થતું નથી. પરંતુ ત્યારબાદ હાથથી જ નિંદામણ દૂર કરવું જોઈએ.
પિયત અને ફર્ટીગેશન
સામાન્ય રીતે ચોમાસુ ડુંગળીમાં વરસાદને લીધે પિયતની જરૂરીયાત રહેતી નથી, પરંતુ જ્યારે વરસાદ ખેંચાય ત્યારે પાકને બચાવવા પિયત આપવું જોઇએ. સામાન્ય રીતે ખેડૂતો પિયત કયારામાં રેલાવીને આપતા હોય છે. તેથી કયારેક પિયત આપ્યા બાદ તુરત જ જો ભારે વરસાદ પડે તો પાક નિષ્ફળ જવાની સંભાવના રહે છે. ચોમાસુ ડુંગળીમાં જો ટપક સિંચાઇ કે સ્પ્રીંકલર પદ્ધતિથી પિયત આપવામાં આવે તો પાકને બચાવી શકાય. આ માટે કયારા ઉપર બે લાઇન ડ્રીપની મુકવી જેમાં ૬૦ સેમીના અંતર ડ્રીપર આવેલા હોય અથવા. માઇક્રોસ્પ્રીંકલરથી પણ પિયત આપી શકાય છે. ટપક સિંચાઇથી અપાયેલ રાસાયણિક ખાતરો પણ સહેલાઇથી જમીનમાં ઉતરી જતા નથી.
વૃધ્ધિ નિયંત્રક
સામાન્ય રીતે ચોમાસુ ડુંગળીની વાનસ્પતિક વૃધ્ધિ વધુ થતી હોય છે તેમજ ડુંગળીના છોડના ગળાનો ભાગ જાડો બને અને કંદ નાના રહે છે. પાનમાં જે ખોરાક બને છે તે કંદ સુધી પહોંચવાનું પ્રમાણ નબળું રહેવાને કારણે આમ બનતું હોય છે. આવા સમયે નિયંત્રક તરીકે કામ કરતા લીહોસીલ ૬૦ મિલી પ્રતિ ૧૦ લીટર પાણીમાં ભેળવી ફેરરોપણી બાદ ૬૦ થી ૭પ દિવસે એમ બે વખત છંટકાવ કરવાથી છોડની વાનસ્પતિક વૃદ્ધિ અટકે છે, કંદનો વિકાસ થાય છે અને ઉત્પાદનમાં વધારો જોવા મળે છે.
પાક સંરક્ષણ
ચોમાસુ ડુંગળીમાં આવતા રોગો અને થ્રીપ્સના નિયંત્રણ માટે નીચે જણાવેલ ઉપાયો કરવા જોઇએ.
પાનના ટપકાનો રોગ (એથેંકનોઝ)
પાણી ભરાઇ ન રહે તેની કાળજી રાખવી.
જમીનમાં બેનોમીલ (૦.૨ ટકા) ૪૦ ગ્રામ/૧૦ લીટર પાણીમાં ભેળવી ડ્રેન્ચીંગ કરવું.
મેન્કોઝેબ (૦.રપ ટકા) ૩૩ ગ્રામ અને કાર્બેન્ડાઝીમ (૦.૧ ટકા) ૨૦ ગ્રામ/૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
જાંબલી ધાબાનો રોગ (પરપલ બ્લોચ)
આ રોગના નિયંત્રણ માટે સતત ૧૦ દિવસના અંતરે મેન્કોઝેબ અથવા કલોરોથેલોનીલ (૦.રપ ટકા) ૩૩ ગ્રામ/૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરતા રહેવું જોઇએ.
મૂળના સડાનો રોગ (સ્કલેરોસીઅલરોટ)
રોગના નિયંત્રણ માટે બેનોમીલ (૦.૧ ટકા) ૨૦ ગ્રામ/૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
પાયામાં ટ્રાઇકોડર્મા વીરડી ૨.૫ કિગ્રા ૫૦૦ કિગ્રા છાણીયા ખાતરમાં ભેળવી આપવું.
પાકની ફેરબદલી કરવી જોઇએ.
ગુલાબી મૂળ (પીંક રૂટ)
જમીનમાં બેનોમીલ (૦.૨ ટકા) ૪૦ ગ્રામ/૧૦ લીટર પાણીમાં ભેળવી ડ્રેન્ચીંગ કરવું.
પાયામાં ટ્રાઇકોડર્મા વીરીડી ૨.૫ કિ.ગ્રા. પ૦૦ કિલો છાણીયા ખાતરમાં ભેળવી આપવું.
થ્રીપ્સ
થ્રીપ્સના લીધે ડુંગળીના પાકમાં ૫૦ થી ૬૦ ટકા ઉત્પાદનમાં ઘટાડો થાય છે. તેના નિયંત્રણ માટે મેલાથીયોન (૦.૧ ટકા) ર૦ મિલી અથવા મેટાસીસ્ટોક (૦.૧ ટકા) ૧૬ મિલી અથવા ડેલ્ટામેથ્રીન (૨.૮ ટકા) ૭ મિલી / ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો જોઇએ.
કાપણી
ચોમાસુ ડુંગળી ૯૦ થી ૧૦૫ દિવસે કાઢવાલાયક થતી હોય છે. ચોમાસુ ડુંગળી પરિપકવ સમયે ગળા પાસેથી નમી પડતી નથી. (નેકફોલ) જેથી કાપણી પહેલા ૨ થી ૩ દિવસ અગાઉ ખાલી પીપ ફેરવી નેકફોલ કરવું જોઇએ. જેથી ડુંગળીની સંગ્રહશકિતમાં વધારો થાય છે. ડુંગળીના કંદ કાઢી લીધા પછી સુકી હવા દ્વારા કૃત્રિમ રીતે સુકવણી કરવી જોઇએ અથવા બંને બાજુ ખુલી રહેતી ટનલમાં સુકવણી કરવી જોઇએ.